વલસાડ જિલ્લાના ઉંમરગામમાં એક પરિવારની સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સોળસુંબા ગામે બે વર્ષના બાળક અને પત્નીને ઝેરી દવા પીવડાવી પતિએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, પરિવાર ભાડાના ફ્લેટમાં રહેતો હતો, જ્યાં પાડોશીઓએ લાંબા સમય સુધી મકાનનો દરવાજો ખખડાવ્યો હતો, જોકે કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. જેથી દરવાજો તોડીને ચેક કરતાં પતિ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે પત્ની અને બે વર્ષનું બાળક બેડ પર સૂતેલી હાલમાં મળ્યાં હતાં.
પાડોશીઓએ તરત પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ડી.વાય.એસ.પી. સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. પરિવારે કયા કારણસર આત્મહત્યા કરીએ એ કારણ હજી જાણી શકાયું નથી.
ઉમરગામ પોલીસે ત્રણેયની લાશનો કબજો મેળવી સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે. પત્ની અને બાળકને ઝેરી પ્રવાહી પીવડાવી અને પતિએ ફાંસો ખાંધો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે, જોકે મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે.