દેશભરમાં આજથી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા

Share this story

દેશભરમાં આજે સોમવારથી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે, જેમાં ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં વ્યાપક ફેરફારો લાવી અને સંસ્થાનવાદી યુગના કાયદાનો અંત થઈ જશે . ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય (પુરાવા) અધિનિયમ, ૨૦૨૩ અનુક્રમે બ્રિટિશ સમયના ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહી સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ(૧૮૭૨)નું સ્થાન લેશે. નવા કાયદાઓથી એકઆધુનિક ન્યાય પ્રણાલી સ્થાપિત થશે, જેમાં ‘ઝીરો FIR’, પોલીસમાં ફરિયાદ ઓનલાઈન નોંધાવી, ‘SMS’ (મોબાઈલ ફોન સંદેસ) દ્વારા સમન્સ મોકલવા જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમ અને તમામ જઘન્ય ગુનાઓના ઘટના સ્થળે ફરજિયાત વીડિયોગ્રાફી જેવી જોગવાઈઓનો સમાવેશ થાય છે.

આ અંગે દિલ્હીના સ્પેશિયલ સીપી, ટ્રેનિંગ, છાયા શર્માએ ​​૧ જુલાઈ ૨૦૨૪થી લાગુ થનારા ત્રણ ફોજદારી કાયદાઓ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું, “ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ આજથી અમલમાં આવી રહ્યા છે. આજથી આ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવશે. આ માટેની અમારી તાલીમ ૫ ફેબ્રુઆરીથી શરૂ થઈ છે.અમે એક પુસ્તિકા તૈયાર કરી જેની મદદથી જેમાંથી અમે પોલીસકર્મીઓને આવનારા ફેરફારોની તૈયારી માટે સરળતાથી તાલીમ આપી હતી.

નવા કાયદાઓ સંગઠિત અપરાધ અને આતંકવાદના કૃત્યોને વ્યાખ્યાયિત કરે છે, દેશદ્રોહને રાજદ્રોહથી બદલે છે અને તમામ સર્ચ અને જપ્તી કામગીરીની વીડિયોગ્રાફી ફરજિયાત બનાવે છે. મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ પર એક નવો અધ્યાય ઉમેરવામાં આવ્યો છે, બાળકની ખરીદ-વેચાણને જઘન્ય અપરાધ બનાવવામાં આવ્યો છે અને સગીર સાથે સામૂહિક દુષ્કર્મ માટે મૃત્યુદંડ અથવા આજીવન કેદની જોગવાઈ ઉમેરવામાં આવી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ‘ઓવરલેપ’ જોગવાઈઓને મર્જ કરીને સરળ બનાવવામાં આવી છે અને ભારતીય દંડ સંહિતામાં ૫૧૧ કલમોની સામે માત્ર ૩૫૮ કલમો હશે.

નવા કાયદા અને જોગવાઇઓ

  • ઝિરો ફરિયાદને અપરાધવાળા પોલીસ સ્ટેશનમાં ૧૫ દિવસમાં મોકલવાની રહેશે
  • ક્રોસ એક્ઝામિનેશન સહિત પુરી સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગથી કરવામાં આવશે
  • તમામ પ્રકારના ગેંગરેપના કેસોમાં ૨૦ વર્ષ કે આજીવનની સજા થશે
  • સગીરા પર રેપના કેસમાં ફાંસીની સજાનો પણ સમાવેશ
  • ફરિયાદના ૯૦ દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવાની રહેશે, જેને કોર્ટ ૯૦ દિવસ માટે લંબાની શકશે
  • આરોપપત્ર મળ્યાના ૬૦ દિવસની અંદર કોર્ટે આરોપો ઘડવાનું કામ પૂર્ણ કરવાનું રહેશે
  • સુનાવણી પૂર્ણ થયાના ૩૦ દિવસની અંદર ચુકાદો આપવાનો રહેશે
  • ચુકાદો આપ્યા બાદ સાત દિવસમાં ફરજિયાત કોપી ઓનલાઇન અપલોડ કરવાની રહેશે
  • દરોડા કે જપ્તી દરમિયાન વીડિયોગ્રાફી ફરજિયાત કરવાની રહેશે
  • સાત વર્ષ કે તેથી વધુની સજાના અપરાધોમાં ફોરેંસિક ટીમોંએ ફરજિયાત અપરાધ સ્થળે જવાનું રહેશે
  • જિલ્લા સ્તરે મોબાઇલ એફએસએલની તૈનાતી કરાશે
  • સાત વર્ષ કે તેથી વધુની સજાના કેસમાં પીડિતને સુનાવણીની તક આપ્યા વગર પરત નહી લેવાય
  • સંગઠીત અપરાધો માટે અલગથી કડક સજાની જોગવાઇ
  • નોકરી કે લગ્ન વગેરેની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા બાદ મહિલાને ત્યજી દેવી ગંભીર અપરાધ ગણાશે
  • ચેઇન, મોબાઇલ સ્નેચિંગ માટે અલગથી જોગવાઇ
  • બાળકો વિરુદ્ધના અપરાધોમાં સજાને સાત વર્ષથી વધારીને ૧૦ વર્ષની કરાઇ
  • ફાંસીને આજીવન કેદ, આજીવન કેદને સાત વર્ષ અને સાત વર્ષને ત્રણ વર્ષ સુધી જ બદલી શકાશે
  • કોઇ પણ અપરાધમાં જપ્ત કરાયેલા વાહનોની વીડિયોગ્રાફી ફરજિયાત કરવાની રહેશે

આ પણ વાંચો :-