Gujarat Guardian : Married woman raped by her boyfriend for four years
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતી ત્યક્તા સોશ્યલ મીડિયા દ્રારા એક યુવાનના સંપર્કમાં આવી હતી. બાદમાં આ યુવાને તેણીને પતિ સાથે છૂટાછેડા લઇ લેવા અને પોતાની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. જેથી પરણિતાએ છૂટાછેડા પણ લઈ લીધા હતા. પરંતુ બાદમાં યુવાને ચાર વર્ષ તેણીને ભોગવી તેની સાથે લગ્ન નહીં કરીને વિશ્વાસઘાત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન યુવાને અવારનવાર તેણીની પાસેથી ઉછીના અને રોકાણના બહાને રૂ.૬૬,૦૦૦ પણ પડાવી લીધા હતા. પોલીસે હાલ તો યુવક તેની માતા અને પિતરાઇ ભાઈ વિરુધ્ધ બળાત્કારનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
રાંદેર વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન એક યુવક સાથે થયા હતા. બંનેના દામ્પત્યજીવન દરમિયાન તેમણે એક છોકરીનો જન્મ થયો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા દ્રારા તેણી અડાજણમાં સૌરભ પોલીસ ચોકી પાસે આવેલ સાવન રો હાઉસમાં રહેતા ચિરાગ મણીલાલ પટેલના સંપર્કમાં આવી હતી. ત્યારે આ યુવતીએ ચિરાગને તેનો પતિ ત્રાસ આપતો હોવાનું જણાવ્યું હતું. આ સમયે ચિરાગે તેને લગ્ન કરવા આશ્વાસન આપ્યું હતું. જેથી પરિણીતાએ પતિ સાથે છૂટાછેડા લઇ દીકરી પતિને સોંપી દીધી હતી. ત્યારબાદ છેલ્લા ચાર વર્ષથી ચિરાગ અને યુવતી વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. સમય જતાં બંને વચ્ચે માથાકુટ થવાનું શરૂ થયુ હતુ.
ચિરાગે તેણીના ફોન ઉપાડવાનું બંધ કરી દેતા યુવતી તેના ઘરે પહોંચી ગઇ હતી. જે સમયે ઘરે હાજર તેની માતાએ યુવતીને જાતિ વિષયક અપમાન જનક શબ્દો બોલી ઘરેથી કાઢી મુકી હતી. યુવતીએ તેના પિતરાઇ માથાભારે ભાઈઓને આ મામલે વાત કરતાં તેઓએ સમાધાનને મીટીંગ બોલાવી હતી. જેમાં ચિરાગના કાકાના દીકરા હિરેન પટેલએ પણ યુવતીને તું નીચી જાતિની છે, તારી સાથે મારો ભાઈ લગ્ન કેમ કરે એવું કહી જાતિવિષયક અપમાન કર્યું હતું.
આ ઉપરાંત છેલ્લા ચાર વર્ષમાં ચિરાગે અવારનવાર યુવતી પાસેથી ઉછીના અને રોકાણ કરવાના બહાને ૬૬,૦૦૦ ની રકમ પણ લઈ પરત ચૂકવ્યા ન હતા. જેથી ગત રોજ યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Gujarat Guardian : Married woman raped by her boyfriend for four years