ગાંધીનગરના સેક્ટર-30 નજીક સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિ વિર્સજન વખતે દુર્ઘટના બની છે. મૂર્તિ વિસર્જન કરતી વખતે એક કિશોરી ડૂબી હતી. જેના બચાવવા માટે ચાર લોકો કૂદ્યા હતા. આ બનાવમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે સ્થાનિકોએ બે લોકોને બચાવી લીધા હતા. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદથી કેટલાક શ્રદ્ધાળુઓ દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે સેક્ટર-30 પાસે સાબરમતી નદી ખાતે આવ્યા હતા. જે દરમિયાન એક કિશોરી નદીના ઉંડા પાણીમાં ડૂબવા લાગી હતી. કિશોરીને ડૂબતી જોઈને ચાર લોકો પાણીમાં કૂદ્યા હતા અને કિશોરીની શોધખોળ આધરી હતી. જોકે તેઓ પણ ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.
બનાવ સમયે હાજર સ્થાનિકો દ્વારા બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે કિશોરીને બચાવવા માટે કૂદેલા ભારતીબેન પ્રજાપતિ અને અજય વણઝારા પણ ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. નદીમાં કિશોરી અને અન્ય બે લોકો ગરકાવ થયા હોવા અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ પહોંચી હતી.
ફાયરની ટીમ દ્વારા નદીમાં શોધખોળ હાથ ધરાઈ હતી. જે દરમિયાન પૂનમ પ્રજાપતિ, ભારતીબેન પ્રજાપતિ અને અજય વણઝારાનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. ત્રણ લોકોના ડૂબી જવાથી મોત નીપજતાં દશામાની મૂર્તિ વિસર્જીત કરવા આવેલા શ્રદ્ધાળુઓમાં શોક પ્રવર્તી ગયો હતો.