સુરત શહેરના વરાછા રોડ વિસ્તારમાં આવેલ ઓવરબ્રિજની નીચે અને વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદેસર વસવાટ, દબાણ અને બેનંબરી ધંધાઓ મામલે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સખત વલણ અપનાવ્યું છે. તેમણે આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે સુરત મહાનગરપાલિકા (SMC) કમિશ્નર અને સુરત પોલીસ કમિશ્નરને સંયુક્ત રીતે સંકલન કરીને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે આકરો પત્ર લખ્યો છે.
પોતાના પત્રમાં કુમાર કાનાણીએ લખ્યું છે કે, સૂર્યપુર ગરનાળાથી પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાતનાકા સુધીના ઓવરબ્રિજ નીચે તેમજ વલ્લભાચાર્ય રોડ પર મોટા પ્રમાણમાં લોકો ગેરકાયદેસર રીતે રહે છે. આ ઉપરાંત આ જગ્યાઓ પર JCB, ટ્રક અને ટેમ્પા જેવા મોટા વાહનોનું ગેરકાયદેસર પાર્કિંગ પણ થાય છે.
આ દબાણની આડમાં અફીણ, ગાંજો, ડ્રગ્સ જેવા ગેરકાયદેસર પદાર્થોનું ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ અને સેવન થાય છે. આ પ્રવૃત્તિઓથી વિસ્તારમાં પારાવાર ગંદકી થાય છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસે છે.
વધુમાં ધારાસભ્યએ જણાવ્યું કે, વરાછા રોડ સુરત શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે. નાના વરાછાથી સરથાણા જકાતનાકા સુધીનો શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ એ શહેરના સૌથી મોટા બ્રિજ પૈકીનો એક છે. આ બ્રિજની નીચે વર્ષોથી ગેરકાયદેસર વસવાટ અને વાહનોનું દબાણ છે.
આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત વસવાટ કરે એવું જ નથી પણ એમના ધંધા પણ બેનંબરના છે. દારૂ, જુગાર, ડ્રગ્સ, ગાંજા, અફીણ અનેક પ્રકારના ન્યૂસન્સ છે, એ લોકો પીવે પણ છે અને વહેચે પણ છે.
આ બાબતે અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો છતાં આ પ્રશ્નનો કાયમી ધોરણે હલ થતો નથી. આ ગંભીર બેદરકારી ગણીને, તેમણે મનપા કમિશ્નર અને પોલીસ કમિશ્નરને સંબોધીને લેખિતમાં જવાબ માંગ્યો છે.