દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મતદાન કર્યું

Share this story

દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીના નવી દિલ્હીના ઉમેદવાર સંદીપ દીક્ષિતે જંગપુરામાં, કાલકાજી કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ માદીપુરમાં અને ભાજપના નેતા વીરેન્દ્ર સચદેવાએ મયુર વિહારમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મત આપ્યા બાદ સંદીપ દીક્ષિતે મીડિયાને કહ્યું કે મતદારો વિકાસ માટે મત આપવાના છે. લોકોએ તેમની આકાંક્ષાઓ પૂરી કરનાર સારા ઉમેદવારને મત આપવો જોઈએ.

અગાઉ, દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી – ત્રણેય પક્ષોના દિગ્ગજ નેતાઓએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. મતદારોને તેમની તરફેણમાં આકર્ષવા માટે, ત્રણેય પક્ષોએ જો તેમની સરકાર બનશે તો દિલ્હીના લોકોને તમામ મફત સુવિધાઓ પ્રદાન કરવાનું વચન આપ્યું છે. આ વખતે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 13,766 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જેના પર 1.56 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. દિલ્હીમાં 83.76 લાખ પુરુષ, 72.36 લાખ મહિલા અને 1,267 ત્રીજા લિંગના મતદારો છે. ચૂંટણી પંચે વિકલાંગ મતદારો માટે 733 મતદાન કેન્દ્રોની ઓળખ કરી છે.

કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી તેમની પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં. તેમણે આનંદ નિકેતનમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં મતદાન મથક પર પોતાનો મતદાન કર્યું. વિદેશ પ્રધાન એસ જયશંકરે તુઘલક ક્રેસન્ટ સ્થિત NDMC સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝના મતદાન મથક પર મતદાન કર્યું. મતદાન કર્યા પછી તેમણે કહ્યું કે દિલ્હીના લોકો પરિવર્તનના મૂડમાં છે.

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ નિર્માણ ભવનમાં સ્થાપિત મતદાન મથક પર મતદાન કર્યું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં સ્થિત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય વિદ્યાલયમાં મતદાન કર્યું. આ મતદાન કેન્દ્રને શણગારવામાં આવ્યું છે. મતદાન કર્યા પછી, રાષ્ટ્રપતિએ મતદાન મથકની બહાર એક ફોટો પણ ક્લિક કરાવ્યો.

આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘દિલ્હીવાસીઓ આજે વોટનો દિવસ છે. તમારો વોટ માત્ર એક બટન નથી, આ તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. સારી સ્કૂલ, સારી હોસ્પિટલ અને દરેક પરિવારને સન્માનજનક જીવન આપવાની તક છે. આજે અમે જૂઠ, નફરત અને ડરની રાજનીતિને હરાવીને સત્ય, વિકાસ અને ઇમાનદારીને જીતાડવાની છે. ખુદ પણ વોટ કરો અને પોતાના પરિવાર, મિત્ર, પાડોશીઓને પણ પ્રેરિત કરો. ગુંડાગર્દી હારશે, દિલ્હી જીતશે.

આ પણ વાંચો :-