અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 40 ગુજરાતી સહિત 205 લોકો આજે ભારત પરત આવશે

Share this story

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક પગલા લેવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા બાદ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને તેમના વતનમાં ડિપોર્ટ કરવા આદેશ કર્યો હતો, જે અંતર્ગત હવે ભારત પરત ફરનારા લોકોની પ્રથમ યાદી જાહેર થઈ ગઇ છે. મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા 205 ભારતીયોમાં 40 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં ગાંધીનગર જિલ્લાના ખાસ કરીને માણસા અને કલોલ આસપાસના ગામોના 9 લોકોના નામ સામેલ છે.

મળતી માહિતી મુજબ, સાન એન્ટોનિયોથી C-17 લશ્કરી વિમાન દ્વારા 205 ભારતીય ઇમિગ્રન્ટ્સને ભારત મોકલવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિમાન બુધવારે બપોરે લગભગ 1 વાગ્યે અમૃતસરમાં પહોંચશે. મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકાથી આવતા તમામ ઇમિગ્રન્ટ્સના દસ્તાવેજોની કડક ચકાસણી થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 22 ઑક્ટોબરના રોજ પણ એક દેશનિકાલ વિમાન પંજાબમાં ઉતર્યું હતું.

અમેરિકાથી પરત આવતા લોકોની પ્રથમ યાદીમાં ગુજરાતીઓનો પણ સમાવેશ થયો છે, જેમાં રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના 9 લોકોના નામ સામે આવ્યા છે. ખાસ કરીને માણસા અને કલોલ આસપાસના ગામોના નાગરિકો સ્વદેશ પરત ફરશે. મળતી માહિતી અનુસાર, અમેરિકાથી ભારતીયોને લઇને આવતી ફ્લાઈટ પહેલા સવારે 8 વાગ્યે આવવાની હતી, પરંતુ હવે તે બપોરે 1 વાગ્યે આવશે અને સાંજે 4.30 વાગ્યે રવાના થશે.

અમેરિકાથી જે લોકો ભારત પાછા આવી રહ્યા છે, તેમાં 40 લોકો ગુજરાતી છે. ભારતીય લોકોને પાછા લઈ આવતું વિમાન આજે બપોરે પંજાબના અમૃતસરમાં લેન્ડ થશે. અમેરિકાથી પરત આવી રહેલા લોકોમાં સૌથી વધારે મહેસાણા અને ગાંધીનગરના 12-12 લોકો છે. ત્યાર બાદ અમદાવાદના 2 અને સુરતના 4 જ્યારે વડોદરા, ખેડા પાટણનો એક-એક વ્યક્તિ છે. અમારી પાસે પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગરના 9 લોકોના નામ આ પ્રમાણે છે. જેમાં કેતન દરજી- ગાંધીનગર, પ્રેક્ષા પ્રજાપતિ- પેથાપુર ગાંધીનગર, બળદેવ ચૌધરી, બાપુપુરા માણસા, ઋચી ચૌધરી, ઈન્દ્રપુરા માણસા, માયરા પટેલ, ગાર્ડન સિટી કલોલ, રીશિતા પટેલ, ગાર્ડન સિટી કલોલ, કરણસિંહ ગોહીલ, બોરૂ માણસા, મિત્તલબેન ગોહીલ, બોરૂ માણસા, હેયાન ગોહિલ, બોરૂ માણસા.

રાષ્ટ્રપતિ ટ્રમ્પના વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ ભારતમાં આ પ્રથમ દેશનિકાલ છે. ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ જયશંકર સાથે અમેરિકામાં ભારતીય ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર ચર્ચા કરી હતી. અગાઉ, ભારત ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પરત લેવા માટે સંમત થયું હતું અને લગભગ 18,000 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પરત લેવાની વાત કરી હતી.

આ પણ વાંચો :-