કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ સત્તાધારી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે લોકસભા ચૂંટણી બાદ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર પડી જશે તેવો દાવો કરતાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના એક ટોચના મંત્રીની કેન્દ્રમાં ભાજપના નેતાઓ સાથે વાતચીત ચાલી રહી છે અને તેઓ લોકસભા પછી કેટલાક ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાશે. કુમારસ્વામીએ કહ્યું હતું કે, તેમની પાસે માહિતી છે કે કોંગ્રેસના એક મંત્રીએ કેન્દ્રમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કર્યા બાદ ખાતરી આપી છે કે લોકસભા ચૂંટણી પછી તેઓ ૫૦ ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાશે.
કુમારસ્વામીએ કહ્યું કે, લોકસભા ચૂંટણી બાદ કંઈ પણ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં જે થયું તેવું જ કંઈક અહીં પણ થઈ શકે છે. કોઈ પણ પાર્ટી પ્રત્યે ઈમાનદાર કે પ્રતિબદ્ધ નથી. તે નેતા પોતાના વ્યક્તિગત લાભનું ધ્યાન રાખશે. રાજનીતિમાં આવું હંમેશાથી થતું આવ્યુ છે.
સામાજિ- આર્થિક સર્વેક્ષણનો ઉલ્લેખ કરતા કુમારસ્વામીએ કહ્યું કે, મુખ્યમંત્રી જાતિગત વસતી ગણતરીના નામે લોકોને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ઉપરાંત લઘુમતીઓના વિકાસ માટે સીએમના ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના આશ્વાસનની નિંદા કરતા કુમારસ્વામીએ કહ્યું કે, તેઓ મુસ્લિમો માટે ભંડોળ પૂરું પાડવાની વિરુદ્ધ નથી પરંતુ હિન્દુઓનું શું? બધા હિન્દુઓ ઉચ્ચ જાતિના નથી. દલિતો અને ગરીબો પણ છે. તેમના વિશે શું?
રાજ્ય સરકારે માત્ર રૂ. ૧૨૦૦ પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવની જાહેરાત કરીને નાળિયેર ઉત્પાદકો સાથે ભીખારી જેવો વ્યવહાર કર્યો છે. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવા છતાં તેઓ આ મુદ્દા પર રાજ્ય અને કેન્દ્ર બંનેને જાગૃત કરવા માટે વિધાનસભા સત્ર પછી અરાસીકેરેથી તુમકુરુ સુધી પદયાત્રા નીકાળશે