લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હાલ ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીને ઝટકો લાગે એવા સમાચાર સામે આવી રહ્યા છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ભૂપત ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી શકે છે. ગઈકાલે ભૂપત ભાયાણીએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. જેથી આ અટકળો વધુ તેજ બની છે.
સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પરંપરાગત બેઠક ગણાતી હતી. કેશુભાઈ બાદ હર્ષદ રિબડિયા કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગત ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા પરંતુ AAPના ઉમેદવાર ભૂપત ભાયાણીએ તેમને લગભગ ૭ હજારના માર્જીનથી હરાવ્યા હતા. ભાયાણી BJP ગોત્રના છે તેઓ બે વર્ષ પહેલા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ સરપંચ પણ રહી ચુક્યા છે.
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર રચાય તે પહેલા પાર્ટીનો આંકડો ૧૫૬થી વધીને ૧૫૭ પર પહોંચે તે નિશ્ચિત છે. બીજી તરફ ૩ અપક્ષ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા ધવલસિંહ ઝાલા, વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્ર ગોહિલ અને બનાસકાંઠાની ધાનેરા બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા માવજીભાઈ દેસાઈ પણ ભાજપમાં જોડાવા માટે તૈયાર છે. જો બધુ બરાબર રહેશે તો આગામી દિવસોમાં આ ત્રણ ધારાસભ્યો પણ ભાજપના પક્ષમાં આવશે. આ ત્રણેય પણ ભાજપના ગોત્રના હોવાથી ટિકિટ ન મળવાને કારણે બળવાખોર તરીકે ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા.
આ પણ વાંચો :-